૩૨,૭૦૦ પ્રાથમિક શાળાઓ ખાનગી ટ્રસ્ટ, કોર્પોરેટને સોંપાશે
એક તરફ દેશમાં ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ માટે રાઈટ ટુ એજ્યુકેશનના કાયદાના અમલ માટે ભારત સરકાર જોર લગાવી રહી છે તો બીજી તરફ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શિક્ષણ ખાનગી ટ્રસ્ટો, કોર્પોરેટ હાઉસ સહિતને પધરાવી દેવા ''નગર શિક્ષણ સમિતિ- પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓને પબ્લિક- પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલથી ખાનગી ટ્સ્ટ્રો, મેનેજમેન્ટ ગ્રૂપ કે અન્ય સંસ્થાઓને સોંપવા અંગેની પોલિસી-૨૦૧૨'' તૈયાર થઈ રહી છે. ૩૨,૭૦૦ સરકારી પ્રા.શાળાઓને અસરકર્તા આ પોલિસી રાજ્યના શિક્ષણ વિભાગે તૈયાર કરીને છે. તેનો આખરી મુસદ્દો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પ્રસ્તૃત કરવામાં આવ્યો છે. જેના ઉપર મુખ્યમંત્રીની સહી થતાં જ તેનો અમલ રાજ્યભરમાં થશે. રાજ્યમાં જે કોઈ વ્યક્તિ, સંસ્થા કે ગ્રૂપ સરકારી શાળાનું સંચાલન કરવાની માગણી કરશે તેને શરતોને આધિન શાળાઓ સોંપી દેવાશે.
- નગર અને પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સ્કૂલો ખાનગી ગ્રૂપોને સોંપી દેવાશે
- મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન માટે PPP બેઝ મોડલની પોલિસીનો મુસદ્દો તૈયાર
- મુખ્યમંત્રીની મંજૂરી બાદ ખાનગી એકમોને સરકારી શાળાની માગથી લઈ મંજૂરી
- શાળાઓના સંચાલન સાથે કરોડોની મિલકતો, સરકારી ગ્રાન્ટ પણ મળશે
સરકારી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેની આ પોલીસીને મંજૂરી મળ્યા બાદ કોઈ પણ ખાનગી ટ્રસ્ટ, ઔદ્યોગિક એકમ, કોર્પોરેટ હાઉસ કે તેના નેજા હેઠળ ચાલતા સ્વૈચ્છિક સંગઠનો નગર કે પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના સંચાલનની સાથે સાથે કરોડોની મિલકતોનું સંચાલન સોંપી દેવાશે. ઉપરાંત રાજ્ય સરકાર નિયત કર્યા મુજબની સરકારી ગ્રાન્ટ પણ આપશે ! આ માટે પોલિસીમાં ખાસ શરતોને આધિન રાજ્ય કક્ષાની સમિતિ માગણીકર્તા મેનેજમેન્ટ ગ્રૂપને શાળા સોંપણીની મંજૂરીઓ આપશે.
બાળકોને મફત શિક્ષણ મળશે
નવી નીતિ અનુસાર બાળકોને તો મફત જ શિક્ષણ મળશે. શિક્ષણ સમિતિઓને સ્થાને ખાનગી સંચાલકોને સંચાલનને કારણે પ્રાથમિક શાળાનું સંચાલન, શાળાના કેમ્પસ, બિલ્ડિંગ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભોગવટો, શિક્ષણ આપવાની કાર્યપદ્ધતિઓ, મધ્યાહન ભોજન જેવી બાબતોમાં આમૂલ પરિવર્તન આવશે. જે પ્રત્યેક મેનેજમેન્ટ ગ્રૂપ મુજબ વિભિન્ન પણ હોઈ શકે છે.નગર, પંચાયતની દરખાસ્ત અંગે રાજ્યસ્તરની કમિટી
ગાંધીનગરઃ રૂ.૯૦,૦૦૦ કરોડનો ખર્ચો, પ્રવેશોત્સવ, ગુણોત્સવ છતાં દેશમાં ધો. પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અંગ્રેજી વાંચવા-લખવામાં ગુજરાતના બાળકો સૌથી પાછળ છે ! આ વાસ્તવિકતાની સાથે સાથે સાક્ષરતાના ૭૯.૧૩ ટકા સાથે ૯મેથી ૧૨મે ક્રમે ધકેલાયેલા ગુજરાતમાં હવે પાયામાંથી જ શિક્ષણકાર્યના સંચાલનમાં સરકારીતંત્રની બાદબાકી કરીને ખાનગી ગ્રૂપ, એકમોનો ઉમેરો કરવાના પ્રયોગ માટે ચીફ સેક્રેટરીના અધ્યક્ષ સ્થાને કમિટી રચાશે. જેમાં શિક્ષણ, શહેરી વિકાસ વિભાગ, મહા નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતોના અધિકારીઓ સહિતની આ કમિટી જ સરકારી પ્રાથમિક શાળાઓની માગણી કરનાર એકમ કે સંસ્થાની ચકાસણી કરી તેને મજૂરીઓ આપશે. દરખાસ્તો અંગે પણ આ કમિટી જ નિર્ણય કરશે.
નવા શિક્ષકોની નિમણૂકોમાં નવા સંચાલકોની મુનસફી !
ગાંધીનગરઃ પ્રસ્તાવિત નગર શિક્ષણ સમિતિ- પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓને પબ્લિક- પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલથી ખાનગી ટ્સ્ટ્રો, મેનેજમેન્ટ ગ્રૂપ કે અન્ય સંસ્થાઓને સોંપવા અંગેની પોલિસી-૨૦૧૨માં વર્તમાન શિક્ષકોની કાર્યરીતિ અંગે ખાસ કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. પરંતુ, એક વખત સરકાર એટલે કે સમિતિઓ પાસેથી ખાનગી સંચાલકોના આધિપત્ય હેઠળ જે શાળાનું સંચાલન આવશે તે શાળાના શિક્ષકોએ પણ નવા સંચાલકોની મુનસફી મુજબ શિક્ષણકાર્ય કરવું પડશે. નવા પ્રયોગોમાં જોતરાવું પડશે. એટલું જ નહીં, ભવિષ્યમાં જ્યારે પણ નવા શિક્ષકોની ભરતી કે નિમણૂકની સ્થિતિ ઉપસ્થિતિ થાય ત્યારે ટેટ કે ટાટ જેવી પરિક્ષાઓ થકી નવા સંચાલકોને ઈચ્છે તે શિક્ષક એટલે કે માગણી અનુસાર નિમણૂકો મેળવવાનો અધિકાર મળશે.
No comments:
Post a Comment