Monday, September 6, 2010

કટાક્ષિકા

હાલની શિક્ષણપ્રથા પરનો કટાક્ષ,પર્યાવરણને કવિએ કરેલું ફરમાન!!

આ સઘળાં ફૂલો ને કહી દો યુનિફોર્મમાં આવે,

પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,

સ્વીમિંગપુલના સઘળાં નિયમોનું પાલન કરવાનું.

દરેક કુંપળને કોમ્પ્યુટર ફરજીયાત શીખવાનું,

લખી જણાવો વાલીઓને તુરત જ ફી ભરવાનું.

આ ઝરણાઓને સમજાવો સીધી લીટી દોરે,

કોયલને પણ કહી દેવું ના ટહુકે ભર બપોરે.

અમથું કંઈ આ વાદળીઓને એડમિશન દેવાનું ?

ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.

એક નહિ પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,

આઉટ ડેટ થયેલો વડલો મારી કાઢે ભૂલો.


- કૃષ્ણ દવે.

No comments:

Post a Comment